લીલી પરિક્રમા થઈ પૂર્ણ, પરિક્રમાર્થીઓની સંખ્યા ગત વર્ષ કરતાં 50 ટકા ઓછી હોવાનું અનુમાન!

કારતક સુદ અગિયારસ(8 નવેમ્બર)ના દિવસે શરૂ થાય તે પહેલા ભાવિકોની ભીડ વધી જતા એક દિવસ વ્હેલી એટલે કે કારતક સુદ દસમ(7 નવેમ્બર)ની મધ્યરાત્રીથી જ પ્રારંભ થયેલી લીલી પરિક્રમા પૂર્ણ થઈ છે. ગરવા ગિરનારના જંગલમાં 36 કિમીના માર્ગ પર યોજાતી લીલી પરિક્રમા પૂર્ણ થઇ ગઇ છે. અત્યાર સુધીમાં 5,61,392 ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. જોકે ગત વર્ષ કરતા આ વર્ષે પરિક્રમાર્થીની સંખ્યામાં 50 ટકા જેટલો ઘટાડો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

કારતક સુદ અગિયારસની મધ્યરાત્રીથી લીલી પરિક્રમાનો વિધીવત રીતે પ્રારંભ કરવામાં આવતો હોય છે. જોકે દર વર્ષે કેટલાક ઉતાવળીયા પરિક્રમાર્થીઓ વ્હેલા આવી પરિક્રમા શરૂ કરે છે, ‘ને વ્હેલી પૂરી પણ કરી દે છે. આવા ભાવિકો માત્ર ગિરદી અને ગંદકીથી બચવા માટે વ્હેલી પરિક્રમા શરૂ કરી દેતા હોય છે. જોકે, જિલ્લા વહિવટી તંત્રએ ચાલુ વર્ષે વ્હેલી પરિક્રમા શરૂ ન કરવા અને તેમ છતાં કોઇ આવશે તો પરિક્રમા રૂટ પર પ્રવેશ આપવામાં નહી આવે તેવું સ્પષ્ટ જણાવ્યું હતું. તેમ છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવિકોની સંખ્યામાં વધારો થતા અંતે તંત્રએ પરિક્રમા રૂટમાં પ્રવેશ કરવાના ગેઇટ એક દિવસ વહેલા ખોલી દીધા હતા.

આમ, એક દિવસ વ્હેલી શરૂ થયેલી પરિક્રમામાં વન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં એટલે કે 11 નવેમ્બર સોમવાર સાંજના 6 સુધીમાં 5,61,392 ભાવિકોએ નળપાણીની ઘોડી વટાવી છે. જોકે હવે જંગલ ખાલી ખમ્મ થઇ રહ્યું છે. આમ, એક દિવસ વ્હેલી શરૂ થયેલી લીલી પરિક્રમા એક દિવસ વ્હેલી પૂર્ણ થઇ ગઇ છે. પરિક્રમા પૂર્ણ થતાં હવે પરિક્રમાર્થીઓની શહેરમાં ચહલ-પહલ વધી ગઇ છે.બીજી બાજુ લીલી પરિક્રમાને પ્લાસ્ટિકમુક્ત બનાવવા કાર્ય કરી રહેલી જૂનાગઢની પ્રકૃત્તિ મિત્ર નામની સામાજીક સંસ્થાએ ઉમદા કામગીરી કરીને 2 ટન પ્લાસ્ટિકને જંગલમાં જતું અટકાવ્યું છે. પરિક્રમામાં પરિક્રમાર્થીઓ દ્વારા જંગલમાં જ્યાંત્યાં ફેંકવામાં આવેલું પ્લાસ્ટિક વન્ય જીવો માટે ખુબજ નુકસાનકર્તા સાબિત થાય છે, આવું ન થાય તે માટે પર્યાવરણના દુશ્મન પ્લાસ્ટિકને પરિક્રમામાં જતું અટકાવવા માટે પ્રકૃત્તિ મિત્ર સંસ્થા છેલ્લા 6 વર્ષથી કામગીરી કરે છે. ચાલુ વર્ષે 124 સ્વયં સેવકોએ 4 દિવસ અને 3 રાત્રિ સુધી કામગીરી કરી 2 ટન પ્લાસ્ટિકને જંગલમાં જતું અટકાવ્યું છે. સંસ્થા દ્વારા લોકો પાસેથી પ્લાસ્ટિકની થેલી લઇ બદલામાં કાપડની તેમજ અન્ય થેલીઓ આપવામાં આવી હતી.

સંદર્ભ: વનવિભાગ