જૂનાગઢમાં આવેલા દરવાજાઓના સમારકામમાં થયો છે આટલો ખર્ચ

જૂનાગઢ શહેર એક ઐતિહાસિક નગર છે. આ શહેરમાં કેટલાય સ્થળો એવા છે, જે આ શહેરનો ઇતિહાસ કથિત કરે છે. આ શહેરમાં આવેલા કેટલાય પૌરાણિક બાંધકામો અનેક વર્ષો જૂના હોવા છતાં આજે પણ અડીખમ ઊભા છે, જ્યારે કેટલાક જર્જરિત છે, તો કેટલાક પડી ભાંગ્યા છે.junagadh gate

આ શહેરના આકર્ષણ સમાન ત્યાં આવેલા વિવિધ દરવાજાઓ ઇતિહાસની સાક્ષી પૂરતા આજે પણ હૈયાત છે. આ દરવાજાઓને અનેક વર્ષો વિત્યા, જેને કારણે જર્જરિત અવશ્ય થયાં, પરંતુ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આ દરવાજાનું સમારકામ કરી તેનું નવનિરૂપણ કર્યું છે.

આપણા જુનાગઢ શહેરની સ્થાપત્યકલા અને વારસો આપણું ગૌરવ છે. આ ગૌરવને જાળવી વધુ આકર્ષક બનાવવા જૂનાગઢના વિવિધ દરવાજાઓનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આશરે 30 વર્ષ પછી સર્કલ ચોક દરવાજાની ઘડિયાળ ગુંજી ઉઠી હતી જેના ટકોરાના રણકારે નરસૈયાની ભૂમિની ભવ્યતાને વધારી હતી. મજેવડી દરવાજા બાદ સર્કલચોક દરવાજાનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે.#AapduJunagadh #Junagadh

Posted by Aapdu Junagadh on Wednesday, 2 May 2018

જૂનાગઢ મહાનગરપાલિકાએ શહેરના ઐતિહાસિક એવા ચારસ્થળોએ આવેલા દરવાજાનું 6.39 કરોડના ખર્ચે રિનોવેશન કર્યું છે. ખાસ કરીને મજેવડી ગેઇટને 1.40 કરોડના ખર્ચે,સર્કલ ચોકને 60.57 લાખના ખર્ચે,તેમજ અન્ય 2 દિવાન ચોકના નાના ગેઇટને 27.18 લાખના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યા છે. જોકે આ કામગીરીમાં એકમાત્ર સરદાર પટેલ ગેઇટનું કામ 50 ટકા જેટલું બાકી રહ્યું છે. રેલવે તંત્રની મંજુરીના અભાવે આ કામ થઇ શક્યું નથી.

જયારે સરદાર પટેલ ગેઇટના રિનોવેશન માટે 4.12 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી અત્યાર સુધીમાં 2.88 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. આ રકમમાં સ્વામીનારાયણ સંસ્થા દ્વારા બનાવાયેલા બિલખા રોડ,દોલતપરા અને ટીંબાવાડી મધુરમ સહિત અન્ય 3 ગેઇટના રંગરોગાનનો પણ સમાવેશ થયો છે. આ તમામ કામગીરી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મળેલી આગવી ઓળખની ગ્રાન્ટમાંથી કરવામાં આવી રહી છે.