આવો જાણીએ જૂનાગઢ જંકશનની જુનવાણી વાતો

જૂનાગઢ એક પ્રાચીન નગર છે. અનેક પૌરાણિક અને ઐતિહાસિક સ્થળો ધરાવતા આ નગરની વાત જ કઇંક અનોખી છે. આ શહેરની મુલાકાત લેવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે, જે લોકોમાં વિદેશી લોકોનો પણ મોટા પ્રમાણમાં સમાવેશ થાય છે. બહારથી મુલાકાત માટે આવતા લોકો બીજા વાહન વ્યવહારના માધ્યમો કરતાં રેલ્વેથી જૂનાગઢ સુધી પહોંચવાનું વધુ પસંદ કરતાં હોય છે. ત્યારે આજે આપણે વાત કરવાના છીએ જૂનાગઢ શહેરમાં રેલ્વે વ્યવહારની શરૂઆત થઈ એ સોનેરી સમયની.

જૂનાગઢ મધ્યે રેલવેની શરૂઆત આજથી અંદાજિત  133 વર્ષ પહેલા થઈ હતી, ત્યારે તમને જાણીને નવાઇ લાગશે કે, આપણાં જૂનાગઢમાં રેલ્વે લાઇન બાંધવાની યોજનાનો સૌપ્રથમ વિચાર નવાબ મહાબતખાનજી બીજાનાં રાજ્યકાળ દરમિયાન ઇસ.1867માં આવ્યો હતો. રેલ્વે લાઇનની પાયાવિધી મુંબઇનાં ગવર્નર લોર્ડ રેનાં હસ્તે 11મી ડિસેમ્બર, 1886નાં કરવામાં આવી હતી. જૂનાગઢ રેલ્વે સ્ટેશનનું સૌપ્રથમ બાંધકામ વર્ષ 1888માં નવાબ મહાબતખાનજી બીજા દ્વારા થયું હતું.

જૂનાગઢમાં સૌપ્રથમ ટ્રેન 19મી જાન્યુઆરી, 1888માં ગુરૂવારનાં રોજ જૂનાગઢ રેલ્વે સ્ટેશન પાસે ઉભી રહી હતી. અને તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. જે બાદ સરકારે જેતલસર- જૂનાગઢ વિભાગને પશ્ચિમ રેલ્વે અંતર્ગત આવરી લીધો. વર્ષ 2003માં રેલ્વેનું બ્રોડ ગેજમાં રૂપાંતરણ કરવામાં આવ્યું. વર્તમાન સમયની વાત કરીએ તો, દિવસના ચોવીસ કલાક દરમિયાન કુલ 22 જેટલી ટ્રેનો અવર-જવર કરે છે.

જુનાગઢ રેલવે સ્ટેશન નો 125 વર્ષ જૂનો ફોટો, જુનાગઢ રેલવે સ્ટેશન 1888માં જૂનાગઢનાં નવાબે બનાવડાવ્યું હતું