જૂનાગઢ એટલે એક યાદો ભરેલી કવિતા

આમ તો ઘણા બધા વિષયો પર લખતો રહ્યો છું, પણ કોઈ મને એમ કહે કે તમારા શહેર વિશે જ લખી બતાવ! તો થોડીવાર વિસામણમાં પડી ગયો કે, શું શું લખવું કરતા કેટલું લખું અને શરૂઆત ક્યાંથી કરું? જે સતત એકધારો હું આ શહેર સાથે જીવતો આવ્યો છું, એ લખું કે જૂનાગઢની બહાર રહીને જે જૂનાગઢને હું દરરોજ યાદ કરતો એને લખું? થોડા વિચારોના ઘર્ષણ પછી જે સુઝ્યું એ કૈંક એવું છે…

ગરવો ગિરનાર… ભવનાથ… દાતાર… વિલીંગ્ડન ડેમ…સક્કરબાગ…દામોદર કુંડ… તળાવની પાળી… આ બધી જગ્યાઓ કોઈ બહારની વ્યક્તિ માટે ખાલી જગ્યા હશે, પણ જૂનાગઢવાસી માટે આ બધી કવિતાની એક-એક પંક્તિ છે અને આખી કવિતા એટલે “જૂનાગઢ”.

જૂનાગઢ ને મેં પ્રાચીન નવાબી કાળ અને અર્વાચીન સમયને એક સમાંતર રેખા પર લઈને ધબકતા શહેર તરીકે જોયું છે. ઢાલ રોડ થી દિવાન ચોક કે પંચહાટડી જાઓ કે પછી ઉપરકોટ કે અડીકડી વાવ જાવ તો 19મી સદીની ખુમારી નજરો નજર જોવા મળે.

જો ઝાંઝરડા રોડ કે મોતીબાગ રોડથી નીકળો તો, એક અલગ જ તાલ જોવા મળે! દરેક શહેર અને સમાજની વાસ્તવિકતા એ છે કે, એ પળે પળે સપાટાબંધ રીતે આગળ વધે છે, બદલાય છે, નવું પરિવર્તન આવે છે પણ જૂનાગઢ માટે હું ખુશ છું. ના, ખુશ છું એના કરતાં વધુ તો ગર્વ અનુભવું છું કે ભવનાથનો મેળો, લીલી પરિક્રમા હજી’ય અડીખમ છે અને એક વિશ્વાસ છે કે કાયમ અડીખમ રહેશે.


જૂનાગઢ આપણું શહેર આપણી અલાયદી દુનિયા. કોલેજમાં કે ઓફિસમાં જ્યારે કોઈ પૂછે કે, ભાઈ તમારા જૂનાગઢમાં કઈ ફરવા લાયક ખરું? ત્યારે જવાબ આપવાનું મન થાય કે, એકવાર ભવનાથની હવા ફેફસામાં ભરી લેશો તો પછી બીજે ક્યાંય માફક નહિ આવે!

જ્યારે જ્યારે જૂનાગઢની બહાર રહીને જૂનાગઢને યાદ કર્યું છે, ત્યારે સતત એક જ વિચાર અનુભવ્યો છે કે, હું ખરેખર જૂનાગઢની કોખમાં જ છૂટી ગયો છું. ભવનાથમાં રખડવા, ઘરની અગાસીએથી રોજ ગિરનાર જોવા, જટાશંકરએ ન્હાવા, અમસ્તા જ વરસતા વરસાદમાં વિલીંગ્ડન ડેમ જોવા, તળાવ ની પાળે બેસવા મિત્રો સાથે વાતો કરવા વિવાદો કરવા, શિયાળાની ઠંડીમાં ભવનાથનો કાવો પીવા અને ખાસ તો ઘરે રહેવા…

જૂનાગઢમાં દરેક સમયે હાજર રહેવું શક્ય નથી,પણ હરહંમેશ યાદોમાં જૂનાગઢની હાજરી અને યાદોને સતત વાગોળ્યા કરવું અચૂક શક્ય છે.

Author: Bhargav Usadadiya