જૂનાગઢમાં આવેલી બે સરકારી લાઇબ્રેરીઓ વિશે આટલું તો જાણવું જ જોઈએ…

પુસ્તકો આપણાં સાચા મિત્રો છે, આ કહેવત જૂનાગઢવાસીઓ યથાર્થ કરી રહ્યાં છે. આજના આ ટેકનૉલોજિથી ભરેલા આ ઝડપી યુગમાં ટીવી, સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટનું મહત્વ દિવસેને દિવસે વધતું જાય છે. ત્યારે બાળકો અને વધારે પડતો યુવાવર્ગ ટેકનૉલોજિના માધ્યમથી વીડિયો ગેમ્સની પાછળ ઘેલો થઇ રહ્યો છે. વડીલો પાસે વાર્તા સાંભળવાની પ્રથા તો જાણે લુપ્ત થઈ ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે. જેમાં ફક્ત બાળકો જ જવાબદાર નથી, પરંતુ આ ઝડપી યુગમાં વડીલો પાસે પણ વાર્તા કહેવાનો સમય બચતો નથી. ત્યારે આ સ્થિતિમાં આપણાં જૂનાગઢમાં હજુ પણ પુસ્તકો વાંચનાર લોકોની સંખ્યા વધારે હોય તેમ જણાઈ રહ્યું છે. Junagadh Library

Junagadh Library

જૂનાગઢવાસીઓ માટે શહેરમાં બે સરકારી લાઈબ્રેરીઓ આવેલી છે. જેમાંની એક આઝાદ ચોક ખાતે જ્યારે બીજી કાળવા ચોક ખાતે સ્થિત છે. આ બંને લાઇબ્રેરીઓમાં રોજના મોટી સંખ્યામાં લોકો પુસ્તકો વાંચવા માટે આવી રહ્યા છે, જ્યારે વેકેશનનો સમય ચાલી રહ્યો છે ત્યારે આ બંને લાઇબ્રેરીમાં બાળકોથી માંડીને વૃદ્ધો પુસ્તકો વાંચવા માટે આવી રહ્યાં છે.

જૂનાગઢના આઝાદ ચોક ખાતે આવેલી સરકારી લાઈબ્રેરીની સ્થાપના તા. 1લી ઓગસ્ટ 1865માં થઈ હતી. આઝાદી પહેલા સ્થપાયેલી આ લાઇબ્રેરીમાં અનેક જુના પુસ્તકો છે. તેમજ કાળવા ચોક ખાતે આવેલી લાઇબ્રેરીની સ્થાપના તા. 1લી માર્ચ, 1956 ના રોજ કરવામાં આવી હતી. શહેરમાં આઝાદી પહેલા અને આઝાદી પછી એમ બે લાઇબ્રેરીઓની સ્થાપના થઈ હતી.   આ બંને લાઈબ્રેરીમાં કુલ 81,616 જેટલા પુસ્તકો છે.

આઝાદ ચોક લાઇબ્રેરી:

સ્થાપના:  1લી ઓગસ્ટ, 1865

પુસ્તકો: કુલ 24,558 (ગુજરાતી 15,312/ હિન્દી 4622/ અંગ્રેજી 4654)

સભ્ય સંખ્યા: 4700

દર મહિને 3200 વધારે પુસ્તકો વંચાય છે

કાળવા ચોક લાઇબ્રેરી:

સ્થાપના: 1લી માર્ચ, 1956

પુસ્તકો: કુલ 57,028 (ગુજરાતી 24,037/ હિન્દી 17,154/ અંગ્રેજી 15,432 અને અન્ય 405)

સભ્ય સંખ્યા:  9500

દર મહિને 2000થી વધુ પુસ્તકો વંચાય છે.

આઝાદ ચોકની લાઇબ્રેરીમાં રોજના 10 ન્યુઝ પેપર મંગાવવામાં આવે છે, જેમાં એક હિન્દી અને એક અંગ્રેજી ન્યૂઝ પેપરનો સમાવેશ થાય છે. તેમજ કાળવાચોક લાઇબ્રેરીમાં રોજના 16 ન્યુઝ પેપર આવે છે, બાળકો વૃદ્ધો અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા છાત્રોએ અહીં વાંચવા માટે આવે છે.

તો આ વેકેશનમાં તમે પણ લાભ લો આપણા જૂનાગઢમાં આવેલી આ સરકારી લાઈબ્રેરીઓનો…

#TeamAapduJunagadh