10 ગીર ગાયોની ગૌશાળામાં કાર્યરત રહેતા જૂનાગઢનાં પરિવાર વિષે જાણીએ…

જૂનાગઢનાં દિવ્યાંગભાઈ ત્રાંબડિયા ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરેલી તેમની દીકરી જાનકી અને કોલેજ સુધીનો અભ્યાસ કરનાર તેમના પત્ની પારૂલબેન સાથે મળીને આ ગાયમય જીવન જીવે છે. જેમાં તેઓ સવારે 5 વાગે ઊઠીને ગૌશાળાએ પહોચી જાય છે. જ્યાં ગામ માટે ખાણ તૈયાર કરવાનું, ચારો નાખવાનું, ગણે પાણી પીવડાવવાનું અને ગણે દોહવા સુધીની તમામ આ પરિવાર જાતે જ કરે છે.

આજે શિક્ષણને જ્યારે આધુનિકીકરણનું લેબલ લગાવી દેવામાં આવ્યું છે, ત્યારે આ શિક્ષિત ખેડૂત પરિવારમાં મહત્વનુ સ્થાન ધરાવનારા પારૂલબેન ત્રાંબડિયા જણાવે છે કે, આપડી ભારતીય સંસ્કૃતિમાં તો ગાયોમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે તેવું કહેવામા આવ્યું છે. તેથી ગૌમાતાના સાનિધ્યમાં જેટલો સમય પસાર થાય તેટલો ઓછો છે, માટે જ હું ગાયને જાતે દોહવાનું પસંદ કરું છું.

આ ગૌશાળામાં ગાયોના નામ પણ રાખવામા આવ્યા છે, જેમાં સુરભિ, ઉમા, ગુણવંતી વગેરે ગયો છે. ગાય સાથેની આ આત્મીયતા વિષે પુછવામાં આવતા દિવ્યાંગભાઈએ વાત કરી કે, “આજથી 12 વર્ષ પહેલા મારો દીકરો બીમાર પડ્યો ત્યારે તેની સારવાર માટે મારે ગાયના દૂધની આવશ્યકતા આવી પડી હતી. ઘણી જગ્યાએ તપાસ કરવા છતાં પણ ગાયનું ચોખ્ખું દૂધ ન મળવાથી મારે ઘરે ગાય રાખવાની ફરજ પડી. ગાયના દૂધ થકી મારો દીકરો તો સાજો થયો જ, સાથે મને પણ વિચાર આવ્યો કે ગાયના ચોખ્ખા ઘી-દૂધ એ સારા સ્વાસ્થ્ય માટે અતિ આવશ્યક છે. કારણ કે મારા દીકરાની સારવાર સાથે જ ઘણા લોકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો આવ્યો હતો. ત્યારે મને ગાયના ગૌમુત્ર સહિત દરેક વસ્તુનું મૂલ્ય સમજાયું હતું અને ત્યારથી જ મેં આ ગૌશાળાનો વિચાર કર્યો હતો.”

માત્ર ગૌશાળા ઊભી કરવાથી કશું ન થાય, તેની સફાઈની જવાબદારી પણ એટલી મોટી હોય છે. સફાઈ વિષે વાત કરતાં દિવ્યાંગભાઈએ કહ્યું કે, “હું અને મારી ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી દીકરી જાનકી બન્ને સવારે 5 વાગ્યે ઊઠીને અહી આવી જઈએ છીએ. ત્યારબાદ વાસીદાથી માંડીને ગાયની સફાઈ સુધીનું બધુ કામ કરીએ છીએ, તેમજ કુદરતી સફાઈ કામદાર તરીકે ગૌશાળામાં કૂકડાં પણ રાખ્યા છે.”

આજના ઝડપીયુગમાં ત્રાંબડિયા પરિવાર એક દાખલા સમાન છે. જેના પરથી અનુકરણ કરીને આપણે પણ જીવનમાં ગાયના ઉત્પાદનોનું મહત્વ સમજવું જોઈએ. ઓનલાઈન સોસિયલ મીડિયા અને ગેમ્સની પાછળ કીમતી સમય વેડફનાર યુવા પેઢીએ પણ તેમના જીવનમાં આ પરિવારના જીવન્મુલયો ઉતારવા જોઈએ.