ગિરનાર ચઢાણ: મોજથી માણવા જેવો જૂનાગઢમાં શિયાળો

સમાઈ ક્યાં શકું છું હું નગરમાં કે મહાલયમાં?

ગુહા જેવું ગહન કાંઠે મને ગિરનાર સંઘરશે!

કવિ રાજેન્દ્ર શુક્લની આ પંક્તિમાં ગિરનાર પ્રત્યેનો વાસ્તવિક પ્રેમ છલકાય છે કે, મનને સંઘરવા માટે મહાલય કે નગર પણ નાનું પડશે. હાં! મને તો માત્ર ગિરનાર જ સંઘરી શકે એમ છે!આવા ગિરનારનું ચઢાણ કે ગિરનારને એક્સપ્લોર કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય શિયાળો માનવામાં આવે છે. આ વાત ગિરનારને એક્સપ્લોર કરી ચૂકેલા અનુભવીઓ પાસેથી જાણવા મળેલ છે. આમ તો, ગિરનાર ચઢાણ કરવા માટેનો યોગ્ય સમય સપ્ટેમ્બરથી માર્ચ સુધીનો છે પણ ડિસેમ્બરથી ફેબ્રુઆરી સૌથી શ્રેષ્ઠ સમય ગણી શકાય.ધાર્મિક રીતે ગિરનાર ચઢવા માટે કોઈ કારણની જરૂર પડતી નથી. ત્યાંના શાંતિમય અને પવિત્ર વાતાવરણ અનુભવ જ તમને ગિરનાર તરફ ખેંચી જાય તેમ છે, પરંતુ જો તમે માત્ર ગિરનાર જેવા પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર અને હિમાલયથી પણ જૂના ઐતિહાસિક પર્વતને અનુભવવાનો લ્હાવો લેવા માંગતા હો તો શિયાળાનો સમય તે માટે સર્વશ્રેષ્ઠ છે. જો વહેલી સવારે સાડા ત્રણથી ચાર વાગ્યે ગિરનારનું ચઢાણ શરૂ કરો તો, સાત આઠ કલાકમાં પાછા ફરી શકાય એમ છે.વળી એડવેન્ચર પ્રિય વ્યક્તિઓ અને ફિટનેસ પર ધ્યાન આપનાર આજની યુવા પેઢી માટે ગિરનાર પર ટ્રેકિંગનો બેસ્ટ સમય શિયાળો જ છે. શિયાળાના સમયમાં જ અમુક સંસ્થાઓ દ્વારા યુવાનોમાં ખડક ચઢાણ જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે! ચોમાસાની ઋતુ પછી ગિરનારની સુંદરતામાં ખૂબ જ વધારો થઇ ગયો હોય છે અને આ વર્ષે તો વરસાદ પણ બહુ પડ્યો તો વર્ષાઋતુ પછી શિયાળામાં ગિરનારનું ચઢાણ કરવું એ જિંદગીનો અનેરો લ્હાવો બની રહે છે તેમ છે. જો તમને ફોટોગ્રાફીનો શોખ હોય તો વહેલી સવારે ઝાકળ ની ચાદર ઓઢેલા ગિરનારને કે પછી સૂર્યના સોનેરી કિરણો ગિરનારને સ્પર્શ કરતાં હોય આવી અદ્ભુત ક્ષણોને કેમેરામાં કેદ કરવી જ જોઇએ.તમે જૂનાગઢના જ હો અને બીજા શહેરોમાં વસતા તમારા મિત્રો કે સગા સબંધીઓને ગિરનાર દર્શન કરાવવા માંગતા હો તો, આ સમયમાં જ લઈ આવવાં. શિયાળાના સ્ફૂર્તિદાયક વાતાવરણમાં ગિરનાર ચઢાણ એ જીવનનો સુંદર અનુભવ બની રહેશે.

તો રાહ કોની જુઓ છો? આ શિયાળે બનાવો તમારા મિત્રોની ટોળકી સાથે ગિરનાર ચઢાણની એક ટ્રીપ!

Author: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh