જાણો ગિરનારનાં જંગલમાં આવેલ પૌરાણિક મંદિર બોરદેવી વિશે.

જો રજા હોય અને આપણાં જૂનાગઢમાં ફરવા જવાનું થાય તો લગભગ બધાં ગિરનાર, ભવનાથ, કાશ્મીરીબાપુની જગ્યા, વિલિંગ્ડન ડેમ, દાતાર પર્વત, ઉપરકોટ, સક્કરબાગ, મ્યુઝિયમ,અક્ષરમંદિર, વાઘેશ્વરીમાતાનું મંદિરજેવાં સ્થળોએ જતાં હોઈએ છીએ અને ઘણા ફોટોગ્રાફીનાશોખીનો કૃષિ યુનિવર્સિટી અનેલાલ ધોરીને વધારે મહત્વ આપતાં હોય છે. તમને ક્યારેક એવું પણ થયું હશે કે ચાલો આજે ગિરનારની ગોદમાં આવેલા ગિરનાર અભયારણ્યની મુલાકાત લઈએ,પરંતુ વનવિભાગની પરમીટ અને તેમનાં ચુસ્તપણે અમલમાં લેવાતાં દંડો જોઈને આ વિચાર પણ આપણે માંડી વાળીએ. આવું ઘણા સાથે થતું હોય છે અને આપણે આપણાં ઘર આંગણે રહેલી પ્રકૃતિને માણવાનો અવસર ચુકી જતાં હોઈએ છીએ.

આજે હું વાત કરવાનો છું એવાં જ એક સ્થળની કે જે ગિરનારની ગોદમાં અને પ્રકૃતિના પ્રેમના હિલોળા ખાતા જંગલોની વચ્ચે આવેલું છે.  જો તમે એકવાર એ સ્થળની મુલાકાત લઈ ચૂક્યાં હશો તો તમને થોડો ખ્યાલ તો આવી જ ગ્યો હશે કે હું કંઈ જગ્યા વિશે વાત કરી રહ્યો છું! એ સ્થળ એટલે ભવનાથ તળેટીથી માત્ર 8 કિલોમીટરના અંતરે આવેલુ માં ભગવતીનું મંદિર એટલે બોરદેવી.

રવિવારની રજા હતી. મોડી સવાર સુધી સૂતાં રહેવાની બદલે આજે વહેલી સવારે ઉઠી ગ્યો. અને ભવનાથ તરફ પ્રયાણ કર્યું. સવારે ઠંડીનો માહોલ હતો છતાં આજે બોરદેવી જવાનું નક્કી કરીને રાખેલું એટલે બોરદેવી તરફ નીકળી પડ્યો. ભવનાથ તળેટીએ ભવનાથ મહાદેવના દર્શન કરી ચાની ચુસ્કી મારીને ગિરનાર અભયારણ્યમાં દાખલ થવાની મંજૂરી લીધી. જંગલોમાંથી પસાર થતો ચઢાણ ઉતરણ વાળો રસ્તો, સવારની ગુલાબી ઠંડી, પ્રકાશ અને હૂંફ પાથરતો સૂર્ય ખીલીને માથે આવવા મથતો હોય, પંખીઓનો ખિલખિલાટ સાંભળીને ઝડપથી આગળ વધવાની બદલે ધીમે ધીમે આગળ નીકળ્યા. પ્રકૃતિનો આનંદ માણતા માણતા અમે છેવટે બોરદેવી પહોંચીગયા.

 

બોરદેવીની જગ્યામાં બોરદેવીમાતાજીનું એક પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરની આજુબાજુ વિશાળ મેદાન છે. તેમજ અહીં ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે. જે પ્રકૃતિનો અવિસ્મરણીય અને અદભુત નજારો પ્રગટ કરે છે. તેમજ બોરદેવી વનભોજનના શોખીન લોકો માટે ખુબજ સરસ જગ્યા છે.મોટા ભાગે એડવેન્ચર કરવાવાળા લોકો અને પ્રકૃતિ પ્રેમીઓ વારંવાર બોરદેવીની મુલાકાત લેતાં હોય છે.

બોરદેવી મંદિરની નજીક નદી અને પાણીનાં ઘુનાઓ જોવાં મળે છે. જેમાં કાલા ઘુનો અને તાતણિયો ઘુનો ખૂબ પ્રખ્યાત છે. આ ઘુનાઓમાંભાગ્યશાળીઓને મગરો પણ જોવાં મળે છે. તાતણિયા ઘુનાને ખોડિયાર ઘુના તરીકે પણ ઓળખવામાં આવે છે.  એવું મનાય છે કે અહીં માં ભગવતી માં ખોડિયારનો વાસ છે અને માતાજી મગરના સ્વરૂપમાં દર્શન આપે છે.

બોરદેવી સુધી તો અમે બાઇક લઈને પહોંચ્યા પણ ત્યાંની પ્રકૃતિએ અમને જંગલમાં રખડવા માટે મજબૂર કર્યા જેનો થાક માત્ર પગજ જાણતાં હતાં. પણ હૈયે આ પ્રકૃતિએ સહેજે થાક લાગવા નહોતો દીધો. અમે ત્યાં વનભોજન કર્યું અને એક ઝાડના શીતળ છાયડા નીચે થોડો એવો વિસામો લીધો. પછી સાંજે 4 વાગ્યે ત્રણ પથ્થર પર ચૂલો(મંગાળો) તૈયાર કરીને ચાની ચુસ્કી સાથે ભવનાથ જવા તરફ નીકળી પડ્યા.

બોરદેવી સુધી પહોંચવા માટે:

  • ભવનાથ તળેટીએથી 8 કિલોમીટરનો રસ્તો છે. આ રસ્તો ખૂબ ઉતાર ચઢાવવાળો હોવાથી મોટાં વાહનોને અંદર લઈ જવાની મનાઈ છે. આથી રીક્ષાઓ કે અન્ય પેસેન્જર વાહનો અંદર પ્રવેશી શકતાં નથી તેથી બોરદેવી સુધી મોટરસાયકલ અને મોટરકાર દ્વારા પહોંચી શકાય છે.
  • બોરદેવી સુધી પહોંચવા માટે બીજો રસ્તો બીલખા પાસે આવેલ રામનાથ મહાદેવના મંદિર પાસેથી જઈ શકાય છે. રામનાથ જૂનાગઢથી 19 કિલોમીટરના અંતરે આવેલું છે.

જો તમે પણ તમારો બોરદેવી દર્શનનો અનુભવ શેર કરવા માંગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો…

Author: Piyush Malvi #TeamAapduJunagadh