શું તમે જાણો છો કે, આખા ભારતમાં સિંહ શા માટે સાસણ ગીરમાં જ વસવાટ કરે છે?

સમગ્ર વિશ્વમાં માત્ર બે જ સ્થળ એવાં છે જ્યાં સિંહ જોવા મળે છે; એક તો આફ્રિકા ખંડના ગીચ જંગલોમાં અને બીજું એશિયા ખંડના ભારતમાં આવેલ ગુજરાત રાજ્યના ગીરના જંગલમાં, પરંતુ આપણને એક સવાલ એ થાય કે શા માટે સમગ્ર ભારતમાં હાલ ગીરમાં જ સિંહો વસવાટ કરે છે?સિંહોના ઇતિહાસની વાત કરીએ તો, પ્રાચીન કાળમાં સિંહ ઉત્તર ભારત, મધ્ય ભારત, સિંધ પ્રદેશ, બંગાળ અને ગંગા, સિંધુ તથા પ્રાચીન નદી સરસ્વતીના તટ પ્રદેશમાંથી છેક નર્મદાના તટ પ્રદેશ સુધી વિસ્તાર પામ્યા હતા, પરંતુ ભારતમાં જેમ જેમ જંગલોનો નાશ થતો ગયો તેમ તેમ વનરાજોના જંગલો બદલાતા ગયા.ગુજરાતમાં આવેલ ગીરનું જંગલ, જંગલની આબોહવા અને શિકારની સવલતો વધુ હોવાથી સિંહોને જૂનાગઢનું ગીરનું જંગલ અનુકૂળ થઈ પડ્યું. સિંહને હંમેશા ઓછી ગીચતાવાળું જંગલ માફક આવે છે. સમશીતોષ્ણીય કટિબંધીય આબોહવા માફક આવે છે.વધુ રઝળપાટ વગર શિકાર થઈ શકે એવું સ્થળ માફક આવે છે અને સૌથી વધુ તો એને અન્ય માંસભક્ષી હિંસક જાતિના જાનવરોની જ્યાં સૌથી ઓછી વસાવત હોય એવો પ્રદેશ માફક આવે છે. સિંહ અન્ય હિંસક જાતિના પ્રાણી સાથે યુદ્ધ કરવાનું ટાળે છે, આ ઉપરાંત સિંહ પોતાની સ્વતંત્રતા અને ગૌરવને ચાહનારું પ્રાણી છે.ભારતમાં ગીર પ્રદેશનો સિંહ સૂકા અને ખુલ્લા જંગલમાં રહેવાનું પસંદ કરે છે. સિંહ જ્યારે ગીર સિવાયના ભારતના અન્ય જંગલોમાં વસતો હશે ત્યાં શિકાર કે ખોરાક માટે એને અન્ય માંસભક્ષી હિંસક પ્રાણીઓ સાથે તકરારો, ઝઘડો થયા હશે તેથી તેણે એવા જંગલોનો વસવાટ છોડી દીધું હશે એમ કહી શકાય. સિંહ પોતાના રહેણાંક માટે ગીચ જંગલો પસંદ નથી કરતો એ ખુલ્લી જગ્યાને જ વધુ પસંદગી આપે છે. આમ, એના સ્વભાવગત કારણને લીધે માણસના પરિચયમાં વધુ આવ્યો હશે એમ માની શકાય એમ છે.આપણાં ગીરનું જંગલ ખુલ્લું, પાંખું સાગડાનું જંગલ છે. જેમાં સાગના ઊંચા વૃક્ષો થાય છે. બાવળની કાંટ્યો, જાંબુ બોરના વૃક્ષો, વાસના ઊંચા વૃક્ષો તથા નીચાણવાળા વિસ્તારમાં ઝાડી ઝાંખરા જોવા મળે છે. ડુંગરાની હારમાળાની પડખે ઝાંખરાઓ ઉગી નીકળે છે.સૌરાષ્ટ્રની કેટલીક નાની નદીઓ, ઝરણાઓને ભેખડો જેવા સ્થાનોએ સિંહના નિવાસો જોવા મળે છે એટલે કે આ હિંસક પ્રાણી માનવ વસાહતથી ખૂબજ નજીક કે બહુ દૂર રહેવાનું પસંદ કરતો નથી, આ એનું સ્વભાવગત લક્ષણ છે. ગીરનું જંગલ એટલે એમને માફક આવી ગયું છે.

સંદર્ભ: “સિંહદર્શન” પુસ્તક

Author: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh