ગીરમાં ઉત્પાદિત થતાં દેશી ગોળ વિશેની રોચક વાતો

કેસર કેરીની માફક ગીર વિસ્તારની પ્રખ્યાત ખાદ્ય સામગ્રીમાં દેશી ગોળનું નામ પણ મોખરે આવે છે. ગીર સોમનાથ જીલ્લાના તાલાલા, સુત્રાપાડા અને કોડીનાર તાલુકામાં દર વર્ષે દેશી ગોળ બનાવવાના રાબડા એટલે કે મીની ફેક્ટરી કે ગૃહ ઉદ્યોગ શરૂ થતા હોય છે. દેવ-દિવાળીથી ગીરમાં ગોળ બનાવવાના રાબડા શરૂ થવા માંડે છે અને ટૂંકજ સમયમાં આ દેશી ગોળ બજાર મારફતે ઘર-ઘર સુધી પહોંચતો થાય છે.ગીર પંથકમાં શેરડીનું પુષ્કળ વાવેતર થતું હોય છે, જે શેરડીમાંથી ખાંડ અને ગોળનું પુષ્કળ ઉત્પાદન થાય છે. ગીર પંથકમાં દર વર્ષે અંદાજે 250 જેટલા દેશી ગોળના રાબડાઓ ઘમઘમવા લાગે છે. જેમાંથી લાખો ડબ્બા ગોળનું ઉત્પાદન અને વેંચાણ થાય છે. ગીરમાં શીયાળાની ઋતુ દરમિયાન શરૂ થતાં આ દેશી ગોળના રાબડાઓમાંથી અંદાજે 15 હજારથી વઘુ શ્રમીકો રોજગારી મેળવે છે.ગુજરાતમાં ગીર સિવાય મહારાષ્ટ્ર અને મઘ્યપ્રદેશમાંથી પણ મોટાં માત્રામાં ગોળ આવે છે, જેના કારણે ગીરના ગોળ ઉત્પાદકોને પ્રતિવર્ષ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગીર સોમનાથમાં સાનુકુળ વાતાવરણ અને જમીનને કારણે શેરડીનું વિપુલ માત્રામાં વાવેતર થાય છે. ભુતકાળમાં તાલાલા, ઉના અને કોડીનારમાં ખાંડ બનાવવાની ફેક્ટરીઓ પણ હતી, જેનાથી ખેડુતોને શેરડીનો પોષણક્ષમ ભાવ મળી રહેતો, પરંતુ છેલ્લા એકાદ દાયકાથી આ ત્રણેય ખાંડ ફેક્ટરી મૃતપ્રાય સ્થીતીમાં છે, ત્યારે ગીર પંથકના શેરડી પકવાતા ખેડૂતો માટે દેશી ગોળના રાબડાઓ આશીર્વાદરૂપ બન્યા છે.ગીરમાં ઉત્પાદન થતા દવા વગરના દેશી ગોળની ખાવાવાળા વર્ગમાં વધુ માંગ હોય છે. ગોળમાં ફર્સ્ટ અને સેકેન્ડ નંબરની ક્વોલિટીના ગોળનો ખાવામાં વધુ ઉપયોગ થાય છે, બારેમાસ સાચવી શકાય અને સ્વાદ, સુગંધ અકબંધ રહે તે માટે દેશી ગોળની વઘુ પ્રમાણમાં માંગ રહે છે. વર્ષોથી ગીર પંથકનો ગોળ સૈારાષ્ટ્ર ભરમાં જામનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટમાં ગીરનો કેસર ગોળ જ ખવાય છે. વેપારીઓ આ ગોળની ખરીદી કરી કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરી આખું વર્ષ તેનું વેંચાણ કરે છે.આવો જાણીએ કે, આ દેશી ગોળ કેવી રીતે બને છે?
સૌપ્રથમ તો ગીર પંથકના ખેતરમાં ઊગતા શેરડીના પાકને ઉતારી રાબડા સુધી પહોંચાડવામાં આવે છે, ત્યાં શેરડીની યોગ્ય રીતે સાફ કરીને તેમાંથી વિપુલ પ્રમાણમાં રસ કાઢવામાં આવે છે. ત્યારબાદ આ રસને ખુબજ ઊંચા તાપમાને લાંબા સમય સુધી તપાવવામાં આવે છે, જેથી શેરડીના રસનું ગોળમાં રૂપાંતરણ થાય છે. ત્યારબાદ આ ગોળને જુદાં-જુદાં માપના ડબ્બાઓમાં ભરીને વેંચાણ માટે બજારમાં મોકલવામાં આવે છે.

#TeamAapduJunagadh