જૂનાગઢ નગરીનું નામ આવતા જ ગીરીકંદરાઓ અને સ્થાપત્યો નજરે આવવા માંડે છે. જૂનાગઢ શહેર શૈકાઓથી પોતાની અંદર સંસ્કૃતિને સાચવીને બેઠું છે. અહીં સંસ્કૃતિની સાથોસાથ સાહિત્યનો પણ લખલૂટ ખજાનો ધરબાયેલો પડ્યો છે, પરંતુ માત્ર સંસ્કૃતિ અને સાહિત્ય જ જૂનાગઢની ઓળખાણ નથી. જૂનાગઢ શહેર દાયકાઓથી શિક્ષણમાં પણ અગ્રેસર રહ્યું છે. પ્રાચીન કાળથી જ જૂનાગઢમાં શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ઇતિહાસમાં નજર કરીએ તો, ઘણી એવી સંસ્થાઓ છે જેમાં ઉચ્ચસ્તરીય શિક્ષણ પ્રાપ્ત કરાવવામાં આવતું.
જૂનાગઢમાં સૌ પ્રથમ ઇ.સ. 1854માં સંસ્કૃત પાઠશાળાની સ્થાપના થઇ હતી. જેની સાથે જ જૂનાગઢમાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક વારસાની સ્થાપના થઇ ચુકી હતી. જેના પછી જૂનાગઢની બીજી હાઈસ્કૂલ સીટી મિડલ સ્કૂલની સ્થાપના થઇ, જેનું જૂનાગઢ નગર પાલિકા દ્વારા વર્ષ 1960માં નરસિંહ વિદ્યા મંદિર નામાભીધાન કરવામાં આવ્યું.ત્યારબાદ જૂનાગઢમાં વિવિધ શાળા-કોલેજોની શરૂઆત થઈ હતી.
નવાબીકાળમાં નવાબ મોહબત ખાનજીના સાળા સાહેબ શ્રી બહાઉદ્દીન ભાઈએ વર્ષ 1900માં બહાઉદ્દીન આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની સ્થાપના કરી હતી. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ એટલે માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ પોતાની અનોખી બાંધકામ શૈલી માટે જાણીતી સર્વશ્રેષ્ઠ કોલેજ છે. નવાબીકાળથી જ બહાઉદ્દીન કોલેજ વિજ્ઞાન અને વિનયન ક્ષેત્રના અભ્યાસ માટેની ઉત્તમ સવલતો ધરાવતી કોલેજ હતી. આજે પણ બહાઉદ્દીન કોલેજમાં માઈક્રો-બાયોલોજી, ફોરેન્સિક સાયન્સ સહિતના વિવિધ અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે.
બહાઉદ્દીન કોલેજની જેમ જ સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર પણ ઇતિહાસથી જ શિક્ષણમાં અગ્રેસર છે. અહીં ઘણા મહાનુભાવોએ પોતાના જીવનનું મહત્વપૂર્ણ શિક્ષણ અહીંથી પ્રાપ્ત કર્યું છે. આજે ભારતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એ એક એવી બ્રાન્ડ છે, જેનું નામ પડતા જ અનેક ક્ષેત્રો નજર સામે આવવા માંડે છે. આ રિલાયન્સના સ્થાપકશ્રી ધીરુભાઈ અંબાણીએ જૂનાગઢ જિલ્લામાં જન્મ લઈને અને જૂનાગઢની જ સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરમાં અભ્યાસ કરીને વિશ્વસ્તરે પોતાનું અને સૌરાષ્ટ્રનું નામ રોશન કરેલ છે.
વર્ષ 1862માં લાડલીબીબી કન્યા શાળાના પ્રારંભ સાથે જ જૂનાગઢમાં બહેનો માટેના શિક્ષણની શરૂઆત થઈ ચૂકી હતી. આ સાથેજ બ્રિટિશ સમયની એ.જી.સ્કૂલ અને ત્યારબાદ ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ બહેનો માટેના ઉત્તમ અભ્યાસ માટે હંમેશા અગ્રેસર રહી છે. આ તમામ શાળાઓને જોતા જણાય છે કે, જુના સમયમાં પણ જૂનાગઢમાં મહિલા શિક્ષણને એક અલગ જ સ્થાન મળેલું હતું. આ શાળાઓમાં અભ્યાસ કરીને ઘણી મહિલાઓએ અલગ અલગ ક્ષેત્રમાં ખ્યાતિ મેળવેલ છે. વર્ષ 1862માં લાડલીબીબી કન્યા શાળાના પ્રારંભ સાથે જ
આમ, પ્રાચીન કાળથી જ જૂનાગઢ સાહિત્ય અને સંસ્કૃતિની સાથોસાથ શિક્ષણક્ષેત્રે પણ અગ્રેસર રહ્યું છે. જૂનાગઢની આ પરંપરાને આજના યુવાઓ પોતાના કૌશલ્ય થકી સતત આગળ ધપાવી રહ્યા છે. ગીરીકંદરાઓની વચ્ચે રહેલો જૂનાગઢ જિલ્લો સંસ્કૃતિ અને ઐતિહાસિકતાની સાથોસાથ ટેક્નોલોજીની બાબતે પણ આગળ ધપી રહ્યો છે.