જાણો કાળવા ચોકના નામકરણ અને ત્યાં ઊભેલી પ્રતિમાનો ઉજળો ઇતિહાસ

તેં કીધી કાળવા, લાખાત વાળી લી,
સુબો નવ સોરઠ તણો, તેને દંડયો ધોળે દી.

પોરબંદર પંથકના ઓડદર ગામે વિક્રમ સંવત 1796 વૈશાખ સુદ અખાત્રીજને બુધવારના પવિત્ર દિવસે ઓડેદરા(સુમરા) આલા મહેરને ત્યાં કાળવાનો જન્મ થયો. કાળવા ઓડેદરા પહાડી માણસ અને અખુટ શક્તિના સ્વામી હતા. કાળવાની શૂરવીરતા, દાતારી અને ખાનદાનીની ગાથાઓ ચોમેર છવાઈ હતી. ઓડદર ગામની કોઈ દીકરી સાસરે જતી ત્યારે કાળવા એને પાંચ કોરીનું કાપડું આપતા. કાળવાની ખ્યાતિને લઈને જૂનાગઢ નવાબને તેની સાથે મૈત્રી સંબંધ હતા. નવાબે કાળવાને પોતાના દરબારમાં મોભાભર્યું સ્થાન આપી કેટલાક ગામોની પાટો પણ આપી હતી.

એક વખત ફુલરામાં ગામની સીમ બાબતે નવાબના દીવાન અમરજી તથા કાળવાના ભાણેજ અરજણ જાડેજા વચ્ચે ખટરાગ થાય છે, ત્યારે કાળવાની વાત માન્ય રાખી નવાબ ફુલરામા ગામનો હવાલો પુન: જાડેજા મહેરોને સોંપે છે. ખંધો દીવાન અમરજી આ બાબતથી નારાજ થઈ મનમાં વેર રાખી મોકો મળતા મીતી અને બગસરા(ઘેડ)ની વચ્ચે ધરમવાવની પાસે એકલા મળેલા અરજણ જાડેજાને અમરજી દીવાન પોતાના માણસો દ્વારા તેનુ દગાથી ખૂન કરે છે. પોતાના ભાણેજના ખૂનનો બદલો વાળવા કાળવા ઓડેદરા નવાબ મહમુદ બહાદુરખાન બીજા સામે જંગે ચડવાના નિર્ધાર સાથે જૂનાગઢ આવે છે.

કાળવા સાથે એનો ભેરૂબંધ પાદરીયા ગામનો જેમલ ખાંટ સાથ આપે છે. જેમલની યુક્તિથી કાળવો ફકીરના વેશે શાહજાદાની શાળામાં જઈ એને પકડી ગરદને કટાર રાખે છે. કાળવાના પંજામાં ફસાયેલા શાહજાદાને છોડાવવા નવાબ કરગરીને આજીજી કરે છે. ત્યારે કાળવો પોતાની શરતો રાખતા નવાબને કહે છે કે,

  1. હું જે દરવાજેથી આવ્યો તે દરવાજાનું નામ કાળવો દરવાજો રાખવું.
  2. અહીં જે ચોક છે તે ચોકનું નામ ‘કાળવા ચોક’ રાખવું.
  3. નવસો કોરીનો દંડ કરૂ છું તે રોકડી આપવી.
  4. સાત સાંતી જમીનનો લેખ ત્રાંબાના પત્રે કરી દેવો.
  5. કુંવરને મુક્ત કરૂ પછી મારી પાછળ નવ દિવસ સુધી વાર ન આવવી જોઈએ.
  6. મારા ભત્રીજા વજદે ઓડેદરાને હાજર કરવો.
  7. બે જાતવંત ઘોડા મને આપવા.

આ બધી શરતો નવાબ મંજૂર રાખે છે. નવ સોરઠના ધણીને નમાવીને નીકળેલા કાળવા તથા તેના ભત્રીજાને નવાબની બીકથી કોઈ રજવાડું આશરો આપતું નથી. ત્યારે ઓખામંડળમાં પોશીત્રા ગામે વાઘેરો આશરો આપે છે. આ વાતની જાણ થતા નવાબ વેરની આગમાં કાળઝાળ બને છે અને તુરંતજ નવાબ તેના સહાયક રજવાડા જેવાકે; શેખ મીંયા (માંગરોળ), ભા.કુંભાજી મહારાજ(ગોંડલ), જામનગરના જામ જસાજીના મેરૂ ખવાસ, મોરબી ઠાકોર સાહેબના જીવાજી કાંયાજી, ભાવનગર વજેસંગ મહારાજનો સુબો, ઝાલા માનસિંહજી(ધાંગધ્રા-હળવદ), ખુદ નવાબના દિવાન અમરજી સાથે સાતેય રાજની ફોજે પોશીત્રા ગામે કાળવા ઉપર હલ્લો કર્યો.

આ વખતે જોરદાર જંગ જામે છે. પોશીત્રાનો કિલ્લો ઊંચો હતો અને દારૂગોળો પુરતો હોવાથી કાળવે નવાબની સેનાનો કચ્ચરઘાણ વાળી દીધો હતો. નવાબની સેનાની બધી યુક્તિઓ પર પાણી ફેરવતાં કાળવો જોરદાર લડત આપતો હતો. એક મહીના સુધી આ ધીંગાણું ચાલ્યું. અંતે નવાબની સેનાએ ગઢ નીચે સુરંગ બનાવી ત્યારે બહાર નીકળેલો કાળવો અને તેનો ભત્રીજો વજદે અનોખા શૌર્યથી લડતા શહીદ થયા. તે દિવસ વિ.સં.1831 ફાગણ વદ બીજને ગુરૂવારનો હતો. આ ધીંગાણામાં કાળવાને મદદ કરવામાં 350 વાઢેર રાજપૂતો, 280 વાઘેર શહીદ થાય છે. આજે પણ કાળવાની રણખાંભી પોશીત્રા તથા પાળિયો બખરલાને ઉગમણે પાદરે બિરાજમાન છે અને કાળવાચોક તરીકે ઓળખાતા જૂનાગઢના ચોકમાં તેની જાજરમાન પ્રતિમા આજે પણ એ ઇતિહાસની સાક્ષી પૂરે છે.