ચેટીચંડ: ‘ઊડેરોલાલ’ઝુલેલાલની જન્મજયંતિ તથા સિંધી મહાપર્વ

ચેટીચંડના દિવસને ‘સિંધી દિવસ’ પણ કહેવાય છે, જેમાં ‘ચેટી’નો અર્થ છે ચૈત્ર માસ અને ‘ચંડ’નો અર્થ છે ચંદ્ર તીથી. ચેટીચંડના તહેવાર પાછળ વરુણદેવતા‘ઝુલેલાલ’ની કથા વણાયેલી છે. Cheti Chand

સિંધના પ્રાચીન ઐતિહાસિક નગર ઠટ્ટામાં મીરખશાહ નામનો ભારે જુલમી અને ધર્માંધ બાદશાહ શાસન કરતો હતો. તે સિંધી પ્રજાને અનેક રીતે હેરાન પરેશાન કરીને પીડા આપતો. તેના પરિણામે આ બાદશાહ સિંધી પ્રજા માટે અપ્રિય બની ગયો હતો. સૌ કોઈ તેનો બહિષ્કાર કરવા ઇચ્છતા પરંતુ તેના પીડાદાયક વલણને કારણે બધા ચૂપચાપ સહન કરતાં હતા.

સિંધી પ્રજા પ્રાચીનકાળથી જ જળદેવતા એટલે વરુણ દેવતાની ઉપાસક રહી છે. મીરખશાહના આતંકથી બચવા માટે સિંધીઓ સિંધુ નદીના કિનારે જઈને વરુણ દેવતાને પોકારવા લાગ્યા. તેઓએ અન્ન-જળનો પણ ત્યાગ કરી દઈને પોતાની માથે આવેલું સંકટ દૂર કરવા વરુણદેવનું સ્મરણ કરતા રહ્યા. તેમનો આ કરૂણ પોકાર વરુણ દેવતાને સાંભળી લીધો. અચાનક સિંધુ નદીની એક લહેર આકાશ તરફ ઊંચે ઊડી અને ધીમે ધીમે શાંત થવા લાગી. આ લહેર શાંત પડતાં જ તેમાં એક વિશાળ નર માછલી પર બિરાજમાન એક દિવ્ય પુરૂષ દેખાયા અને ક્ષણભરમાં તેઓ અંતર્ધ્યાન પણ થઈ ગયા. ત્યારે વાદળોમાંથી ગર્જના સાથે આકાશવાણી થઇ કે,“ હે મારા પ્રિય ભક્તો! મીરખશાહના જુલમથી તમને બધાને બચાવવા માટે હું સાત દિવસ પછી પૃથ્વી પર અવતાર લઈને આવું છું. તમે ચિંતિત ન થાવ.”

ખરેખર સાત દિવસ પછી સરસપુર નગરના રતનરાયના ઘરે માતા દેવકીની કૂખે એક બાળકનો જન્મ થયો. ઇ.સ. 951અને વિક્રમ સંવત 1007ને શુક્રવારના રોજ આ દિવ્ય બાળકનો જન્મ થયો હતો. આ બાળકનું નામ ઉદયચંદ્ર રાખવામાં આવ્યું.સમય જતાં ઉદયચંદ્ર યૌવનમાં પ્રવેશ્યા. તેમને મળેલી દેવી શક્તિને કારણે જુલમી બાદશાહ મીરખશાહના ત્રાસમાંથી સિંધી પ્રજાને મુક્ત મળી અને મીરખશાહ પણ ઉદયચંદ્રને શરણે આવ્યા. આ મહાન વિભૂતિની જન્મજયંતી તરીકે ચેટીચંડ ઉજવવામાં આવે છે.

સાગર ખેડીને વિશ્વભરમાં વ્યાપાર અર્થે ગયેલા પોતાના પતિના લાંબા આયુષ્ય માટે અને ક્ષેમકુશળ પાછા ફરે એવી કામના સાથે સિંધી પત્નીઓ દરિયાની પૂજા કરતી. આ રીતે વરુણદેવતા ‘ઉડેરોલાલ’ તેમના આરાધ્યદેવ બન્યા છે. ચેટીચંડના દિવસે સિંધીઓ એકબીજાને અભિનંદન પાઠવે છે. આ પવિત્ર દિવસે અનેક શુભપ્રસંગોનું આયોજન થાય છે. આ પર્વ નિમિત્તે લોકનૃત્ય ‘છેજ’ અને ‘ઝૂમીર’ સાથે ઉડેરોલાલના સ્તુતિ ગીતો ‘પંજડા’ગવાય છે. ‘બહીરાણો’(જ્યોતિ)નું પૂજન પણ થાય છે. એ પછી પ્રસાદરૂપે ‘તાહિરી’ મીઠો ભાત શ્રદ્ધાળુઓમાં વહેંચાય છે.

#TeamAapduJunagadh