આપણું જૂનાગઢ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ભવનાથ એટલે સાધુડાનો ઉતારો, દિગંબરોની નગરી અને ગરવા ગિરનારનો દરવાજો. બધા ફરવા લાયક સ્થળોની જેમ ભવનાથ એ માત્ર એક જગ્યા જ નથી પરંતુ એ પહાડોની હારમાળામાં જંગલની માલીપા શિવ પાર્વતીના આશીર્વાદથી બનેલું એક અલૌકિક સ્વર્ગ છે. બની શકે મારા સ્વર્ગ કહેવાથી તમારા ચહેરા પર એક સ્મિત ફરી વળ્યુ હશે. એમ વિચારતા કે આ તો થોડું વધી ગયું. પણ નહિ, ખરેખર મારી નજરે ભવનાથ એ બીજા બધા સ્થળો કરતા કંઇક અલગ જ છે. જેની નામના આખા ગુજરાતમાં અને ગુજરાત બહારના પ્રકૃતિપ્રેમી અને સાંસ્કૃતિક મેળાઓમાં રસ ધરાવતા લોકોના હૈયામાં અવિરત વહે છે. તો આવો એક સફર કરીએ ભવનાથની…

જૂનાગઢમાં કોઈ પણને પૂછો ભવનાથ જવાનો રસ્તો મળી જાય. બસ સ્ટેન્ડથી માત્ર સાત આઠ કિલોમટરના અંતરે, જંગલમય પહાડની ધારો વચ્ચેથી ઝીગ ઝેગ (વાંકો ચૂંકો) રસ્તો સીધો ભવનાથ તળેટીએ જઈને ઊભો રહે છે. પરોઢિયે સૂરજની પહેલી પહેલી કિરણો આજુ બાજુના ઝાકળ બુંદમાં ભીંજાયેલા ઝાડ-પાન પર પડતો ઝગમગતો પ્રકાશ, મંદિરમાંથી આવતી ધૂપ લોબનની સુગંધ, આજુબાજુના બીજા નાના મંદિરો માંથી આવતા ઝાલર નગારાના નાદ અને આ બધાની સાથે સાથે ક્યારેક ભાગ્ય સાથ આપે તો દૂરથી સંભાળતી સિંહોની ડણક! અહાહા.. છે ને સ્વર્ગ !!?

ચાલો ચાલો, હજી તો ભવનાથની સ્વર્ગમય સવાર જ જોય છે. મારી સાથે સાથે આગળ ચાલો હજી ઘણું છે જે અચંબામાં મૂકશે તમને. અખંડ ધૂણો, અને ત્યાંથી જ નીકળે જટાશંકર જવાનો માર્ગ, એ પણ એક પ્રકૃતિના ખોળામાં આવેલી એક મહત્વની જગ્યા છે પણ આપણે આજે ભવનાથને માણીએ. હવે ભવનાથ મંદિરનાં દર્શન કરીએ અને જાણીએ કે, આ મંદિર ભગવાન શિવના આશીર્વાદ સ્વરૂપ છે. અને નજીકમાં જ આવેલા મૃગીકુંડ વિશે એવી માન્યતા છે કે શિવપાર્વતી જ્યારે ગિરનાર પર્વત ઉપરથી પસાર થતા હતા ત્યારે તેમના પરિધાનનો કોઈ એકાદ ભાગ પડયો અને એ જ આશિર્વાદથી મૃગીકુંડ નિર્માણ પામ્યું. મહા મહિનામાં આવતો ભવનાથનો મહાશિવરાત્રીનો મેળો જગવિખ્યાત છે, આ પવિત્ર દિવસે મેળામાં આવેલા સાધુ બાવાઓ આ કુંડમાં નાહવા પડે છે અને લોક વાયકા તો એ પણ કહે છે કે ભગવાન ભોળેનાથ ખુદ આ રાતે ભક્તો સાથે મળીને પર્વ ઉજવે છે. આ ઉપરાંત કારતક મહિનામાં આવતી લીલી પરિક્રમાની શરૂઆત પણ અહીંથી જ થાય છે અને ગિરનાર પર્વતારોહણની શરૂવાત પણ અહીં ભવનાથ તળેટીથી જ થાય છે.

જેવું બપોર થાય અને પેટ ભોજન માંગે, હા ભૂખ તો લાગે જ ને આપણે ભવનાથમાં હોઈએ તો ભૂખ ના લાગે કેમ ?! આજુબાજુના ઘટાદાર વૃક્ષો નીચે એ.સી. થી પણ ચડિયાતી પવનની ઠંડી લહેરકીઓમાં વનભોજન કરવાની મજા જ અલગ છે, આપો આપ સ્વાદ ચાર ગણો વધી જાય જો તમે માત્ર પ્રકૃતિનો ખોળો માણવા આવ્યા હોય તો જ. મૂર્તિ, ચિત્રો, છબીઓ, માળા, પુસ્તકો અને બીજું ઘણું અવનવું ખરીદી કરવાના શોખીનો માટે એક બજાર પણ આવેલું છે, ભવનાથમાં આવ્યા છો તો કંઇક યાદ રૂપી ખરીદી કરવી એ તમારા ફરજમાં આવે હો.. આમ તો બજારમાં ઘૂમતા સાંજ પડી જ જાય છે.

જેમ સૂરજ ઢળતો જાય એમ જૂનાગઢ શહેરમાંથી સંધ્યાના માં માણીગરો હાજરી પુરાવવા આવી જતા હોય છે. ખાણી પીણીની લાઈનો લાગે છે, ધીમી ધીમી જબુકિયા મારતી રંગીન લાઈટો જૂગનુઓની જેમ ઝગમગે છે. ઢળતો સૂરજ કેસરિયો રંગ ધારણ કરે ને આખુંય આભ એને રંગ રંગાય જાય છે. ભવનાથ તળેટીએથી જોતા બે પર્વત ધારો વચ્ચેથી સૂરજ લુપ્ત થઈ જાય છે. ખરેખર આ ક્ષણ પણ સ્વર્ગની અનુભૂતિ આપે છે.

અંધારી રાતમાં સિંહોની ડણક સંભાળવા માંગતા પ્રવાસીઓ માટે રાત રોકવાની આ  અમૂલ્ય તક જડપવા માંગતા પ્રવાસીઓ માટે ભવનાથમાં ઘણા આશ્રમો અને સમાજવાડી આવેલી છે. હવે નક્કી તમારે કરવાનું છે, રાત ગિરનારના ખોળામાં પોઢી જાવું છે કે ફરી બસ સ્ટેન્ડ તરફ પેલા આવ્યા હતા એજ ઝિગજેગ રસ્તા પરથી નાઈટ ટ્રાવેલિંગની ક્ષણિક મજા લેવી છે. હું આ બંને માહોલ જીવી ચૂક્યો છું બંને અદભૂત અવિસ્મરણીય પડો આપે છે. અંતે માત્ર એટલું કહીશ કે,

” જગમાં જાજુ છે જોવા, ને કૈક અવતાર
  એમાં સૌથી ન્યારો મારો ગુજરાતી સંસાર
   સોરઠ ધરા ભમ્યો હું, ભમ્યો હું ગિરનાર
‘આઝાદ’ ભાવનાથે પામ્યો, પ્રકૃતિમાં અર્ધનાર “

તો આવજો, બાય બાય, હર હર મહાદેવ, ખુદા હાફિઝ. ફરી મળીશું એક નવા જ આલૌકિક પ્રકૃતિના સ્થળ પર.

Author: Himanshu Kikani #TeamAapduJunagadh

આપણું જૂનાગઢ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!