અંધજનોના શિક્ષણ, પુનર્વસન અને આશ્રય માટે સતત કાર્યરત; રાષ્ટ્રીય અંધજન મંડળ-જૂનાગઢ

આજરોજ તા.14મી સપ્ટેમ્બર એટલે કે અખિલ હિન્દ અંધ ધ્વજ દિન; નેશનલ એસોશીએશન ફોર ધ બ્લાઈન્ડ દ્વારા સંપૂર્ણ અંધ અને અલ્પ દ્રષ્ટિ ધરાવતા લોકો શિક્ષણ, તાલીમ, રોજગાર મેળવે અને નેત્રહીનતાની અટકાયત અને નિવારણ અર્થે જનજાગૃતિ લાવવા માટે “અખિલ હિન્દ અંધ ધ્વજ દિન”ની ઉજવણી કરવામાં આવે છે. જેમાં વિવિધ સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ, કચેરીઓ, નાણાકીય સંસ્થાઓ, તમામ નાગરિકો નેત્રહીનતાની ઝુંબેશમાં જોડાય છે અને અંધજનોના કલ્યાણ માટે યથાશક્તિ ફાળો આપીને પોતાની નૈતિક ફરજ અદા કરે છે.ત્યારે આજે વાત કરવી છે, જૂનાગઢની એક એવી સંસ્થા વિશે જે અંધજનોના શિક્ષણ, તાલીમ અને પુનર્વસન અને આશ્રય માટે છેલ્લાં 40 વર્ષથી કાર્ય કરી રહી છે. આ ઉપરાંત આ સંસ્થા દ્વારા શ્રવણમંદ અને મનોવિકલાંગ બાળકોના શિક્ષણ અને વિકાસ જેવી બાબતોને ધ્યાને લઈને વિવિધ સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે; આ સંસ્થા એટલે રાષ્ટ્રીય અંધજન મંડળ જિલ્લા શાખા-જૂનાગઢ.

વર્ષ 1952માં મુંબઈમાં રાષ્ટ્રીય અંધજન મંડળ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય પ્રજ્ઞાચક્ષુઓને શિક્ષણ અને રોજગારલક્ષી તાલીમ મળે તેવો હતો. જ્યારે જૂનાગઢમાં ડો.એમ.ડી.નાણાવટીના પ્રમુખ પદે તેમની જ હોસ્પિટલમાં એક રૂમમાં અંધજન મંડળની શરૂઆત કરવામાં આવી. આજે આ સંસ્થા સેવાકીય પ્રવૃત્તિનું વટવૃક્ષ બનીને વંથલી રોડ પર કાર્યરત છે.

સંસ્થાનો ટૂંકો પરિચય મેળવ્યાં બાદ, હવે વાત કરીએ અહીંની વિવિધ સેવાકીય પ્રવૃત્તિની…
● વિદ્યાર્થીઓ થી લઈને વૃદ્ધો સુધીના તમામ પ્રજ્ઞાચક્ષુઓને ઉપયોગી થાય તેવું, વિગતવાર દૈનિક માહિતી અને આવશ્યક વૈદિક માહિતી સાથેનું “દૈનિક સ્પર્શ” નામનું ગુજરાતી બ્રેઇલ કેલેન્ડર દરવર્ષે બહાર પાડવામાં આવે છે.
● વિકલાંગ તરીકે વણઓળખાયેલા વ્યક્તિઓને શોધી જરૂરિયાતમંદ વિકલાંગોને સામાન્ય પ્રવાહ સાથે જોડવા માટે જરૂરી તાલીમ, સાધન સહાય, માર્ગદર્શન આપી પુનર્વસન કરવામાં આવે છે.
● પ્રજ્ઞાચક્ષુઓ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પાઠ્યપુસ્તકો, સંદર્ભગ્રંથો, અન્ય સાહિત્ય કે વાંચન સામગ્રી વાંચી શકે તે માટે વિપુલ પ્રમાણમાં બ્રેઇલ લિપિ તૈયાર કરવા આધુનિક ટેક્નોલોજી સભર કોમ્પ્યુટરરાઈઝ બ્રેઇલ પ્રોડક્શન સેન્ટરની સ્થાપના વર્ષ 2002 માં કરવામાં આવી.
● દ્રષ્ટિની ક્ષતિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ખાસ સોફ્ટવેર સાથેના કોમ્પ્યુટરનું ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે.
● સંગીતના વાજિંત્રો સાથેની સંગીત વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ આપવામાં આવે છે.
● જરૂરિયાતમંદ વિકલાંગો સ્વરોજગારી પ્રાપ્ત કરી શકે, તે માટે અહીં ઔદ્યોગિક તાલીમ સહ ઉત્પાદન કેન્દ્ર ચલાવવામાં આવે છે.ત્યારે આપણાં જૂનાગઢમાં ચાલતી આ સેવાકીય સંસ્થાને તમે પણ યથાશક્તિ મદદરૂપ થઇ શકો છો, તો અવશ્યથી આ સંસ્થાની મુલાકાત લેજો…
સરનામું: રાષ્ટ્રીય અંધજન મંડળ, જૂનાગઢ-વંથલી રોડ, વાડલા ફાટક પાસે, જૂનાગઢ.
સંપર્ક: 9512821212, 02872257386

#TeamAapduJunagadh