ધો.10ના પરિણામ બાદ બાળકોની રસ અને રુચિને ધ્યાને રાખીને કરો આગળના ભવિષ્યની તૈયારી.

મિત્રો 10માં ધોરણના પરિણામો આવી ગયા છે અને તેની સાથે જ વિદ્યાર્થીઓના વાલીઓને બાળકોના આગળના ભવિષ્યની ચિંતાઓ પણ થવા લાગી છે, તો ચાલો આ ચિંતાઓનું સમાધાન કરી આપીએ. અહી આપેલા બ્લોગમાં ધો.10 પછી ક્યાં અભ્યાસક્રમો ભણાવવામાં આવે છે અને તેની સંબંધિત બીજી માહિતી આપવામાં આવી છે, જેના પર પ્રકાશ પાડીએ…

1) શા માટે સાયન્સ સ્ટ્રીમની પસંદગી કરવી?

સાયન્સ પ્રવાહમાં A ગ્રૂપ અને B ગ્રૂપ એમ બે વિભાગોમાં અભ્યાસની તકો રહેલી છે. જો બાળકમાં ઈજનેરી અને તકનીકી જ્ઞાન તેમજ અવનવા સાધનો વિષે રુચિ વધુ પ્રમાણમા જોવા મળતી હોય તો સાયન્સમાં A ગ્રૂપની પસંદગી કરવી હિતાવહ રહે છે. તેમજ આવા વિદ્યાર્થીઓ સતત કઈકને કઈક નવું રચવા માટે તત્પર છે, તેથી તે સમાજમાં ઉપયોગી થઈ શકે તેવા સંશોધનો કરતાં જ રહે છે.
તેમજ જો વિદ્યાર્થીમાં તબીબી ક્ષેત્ર પ્રત્યે જિજ્ઞાશા અને જીવશાસ્ત્ર પ્રત્યે કરુણા હોય તો સાયન્સમાં B ગ્રૂપની પસંદગી કરવી ફાયદાકારક છે, કારણ કે આવા બાળકમાં પ્રકૃતિ પ્રત્યેનો સમર્પણ ભાવ ખૂબ સારો જોવા મળે છે. જેનો ઉપયોગ તે અન્ય લોકોની તબીબી સેવામાં કરી શકે છે.

2) શા માટે કોમર્સ સ્ટ્રીમની પસંદગી કરવી?

આપણે જાણીએ જ છીએ કે, કોમર્સ એટલે વાણિજ્ય ક્ષેત્ર , જો વિદ્યાર્થીમાં ધંધામાં સાહસ ખેડવાની કુશળતા હોય તો તે કોમર્સ પ્રવાહમાં અભ્યાસ કરીને પોતાના જ્ઞાનને યોગ્ય જગ્યાએ ઉપયોગમાં લઈ શકે છે. તેમજ વિદ્યાર્થીમાં એકાઉન્ટ અને બેંકિંગ સંબંધિત રુચિ હોય તો પણ કોમર્સ પ્રવાહ પસંદ કરવો અનુકૂળ રહે છે. આ સાથે જ આજકાલ મેનેજમેંટ સંબંધિત ક્ષેત્રો પણ વિકાસ પામી ચૂક્યા છે, તો જે કોઈને પણ મેનેજમેંટ ક્ષેત્રમાં આગળ વધવાની ઈચ્છા હોય તેમના માટે કોમર્સ ક્ષેત્રમાં વિપુલ તકો રહેલી છે.

3)શા માટે આર્ટ્સ સ્ટ્રીમની પસંદગી કરવી?

આર્ટ્સમાં સમાજશાસ્ત્ર, ભૂગોળ, મનોવિજ્ઞાન અને તત્વજ્ઞાન જેવા વિવિધ સામાજિક અને પ્રાયોગિક વિજ્ઞાનોનો અભ્યાસ કરવવામાં આવે છે, તો જે બાળકમાં તર્કશક્તિ, વિચારશક્તિ અને જ્ઞાનપિપાશા વધુ પ્રમાણમા હોય તેમણે આર્ટ્સની પસંદગી કરવી વધુ સારી. તેમજ આર્ટસના અભ્યાસક્રમમાં આવતા વિષયો સંઘ અને રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ ઉપયોગી થઈ શકે છે.

આ સિવાય પણ 10માં ધોરણ બાદ અભ્યાસ કરવા માટે નીચે મુજબ ક્ષેત્રો ઉપલબ્ધ છે.

4) શા માટે ડિપ્લોમા સ્ટ્રીમની પસંદગી કરવી?

ડિપ્લોમા અભ્યાસક્રમમાં સિવિલ, મિકેનિકલ, કોમ્પ્યુટર એન્જીનિયરીંગ તેમજ ફેશન ડિઝાઇનિંગ જેવા વિવિધતાસભર અભ્યાસક્રમો સંકળાયેલા છે. ડિપ્લોમા અભ્યાસનો વિસ્તાર ખૂબ મોટો છે. તેમાં આશરે 200થી વધુ અભ્યાસક્રમો સમાવિષ્ટ છે.

ડિપ્લોમા સિવાય પણ ઘણાબધા અન્ય કોર્ષ છે જેના થકી વિદ્યાર્થીઓની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને યોગ્ય દિશાસૂચન મળી રહે છે, પરંતુ કોઈ પણ અભ્યાસક્ષેત્ર પસંદ કરતાં પહેલા બાળકોના રસ અને રુચિને મહત્વ આપવું અતિ આવશ્યક છે. બાળકની પસંદગી વગર કરવામાં આવતો અભ્યાસ ક્યારેય પણ સફળતા આપતો નથી.