અડી-કડી વાવના બાંધકામ સમયે બે કન્યાઓએ આપ્યો હતો જીવ!

જૂનાગઢમાં ચાલુક્ય(સોલંકી) રાજાશાહી દરમિયાન મૂળરાજ અને સિદ્ધરાજ જયસિંહા વચ્ચે ઉપરકોટ અને ખેંગાર વાવ મુદ્દે થોડું ઘર્ષણ થયું. જોકે પછી ૧૫મી સદીમાં ચુડાસમા વંશના હાથમાં રાજાશાહી આવી અને તેઓએ ઉપરકોટનું નવ-નિર્માણ કર્યું. સાથો-સાથ તેમણે અડીકડી વાવ અને નવઘણ કુવાનું બાંધકામ કર્યું. શું આપ જાણો છો કે આ વાવનું નામ  ‘અડી-કડી’ કંઈ રીતે પડ્યું ? શું છે આ નામ પાછળનું રહસ્ય? ચાલો જાણીએ.

આ વાવના નામ સાથે બે દંતકથાઓ જોડાયેલી છે.પહેલી દંતકથા મુજબ જ્યારે ૧૫મી સદીમાં આવાવનું બાંધકામ પૂર્ણ થયું, તો રાજાએ તેમના સેવકોને વાવમાંથી પાણી સીંચવા કહ્યું. પરંતુ ખૂબજ કોશિશ કરવા છતાં’ય પાણી આવ્યું નહીં. ત્યારે રાજાએ એક જ્યોતિષને આ મુદ્દે ચર્ચા કરવા બોલાવ્યા અને જ્યોતિષએ જણાવ્યું કે જ્યાં સુધી બે કુંવારી કન્યાઓ બલિદાન નહિં આપે, ત્યાં સુધી આ વાવમાં પાણી નહિં આવે. અંતે એતી અને કેતી નામની બે કન્યાઓએ બલિદાન આપ્યું અને વાવમાં પાણી આવ્યું એટલે આ વાવનું નામ એતી-કેતી ના નામ પરથી અડી-કડી વાવ પડ્યું. (ત્યાંની એક તખ્તી કદાચ આપણને સંશયમાં મૂકી શકે કે સાચું નામ ‘અડી ચડી વાવ’ છે કે ‘અડી કડી વાવ’. આ અંગે કોઈ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત નથી.)

બીજી વાત મુજબ એમ જાણવા મળે છે કે, અડી અને કડી નામની રાણકદેવીની બેદાસીઓ રોજ આ વાવમાંથી પાણીસીંચવા આવતી,એટલે આ વાવનું નામ અડી-કડી વાવ પડ્યું. આજે પણ આ વાવની બાજુમાં આવેલા વૃક્ષ ઉપર અડીકડીની યાદમાં લોકો કપડા અને બંગડીઓ ટીંગાડે છે.

વિશેષતા:

  • અડીકડી વાવનું સર્જન એક જ પથ્થર(ખડક) કાપીને કરવામાં આવેલું છે.વાવમાં નીચે ઉતરવા માટે 172 પગથિયાં છે. વાવની લંબાઇ 275 ફૂટ, ઊંડાઈ 150 ફૂટ છે. આ વાવનું બાંધકામ 24 વર્ષો સુધી ચાલ્યું હતું.
  • વાવના બાંધકામની સામાન્ય બાબતો જેવી કે, કૂટ, મોભ કે ગવાક્ષો આ વાવમાં નથી. જટિલ ભૂસ્તરીય રચનામાં બંધાયેલી આ વાવ તેના બાંધકામના સમયની પાણીના સ્રોતને શોધવાની કુશળતા વ્યકત કરે છે.
  • લોકવાયકા મુજબ જેમણે તેના જીવનમાં આ જગ્યાની મુલાકાત લીધી ન હોય તેનું જીવન વ્યર્થ છે.

અડી-કડી વાવ’ને નવઘણ કૂવો, જેણે ન જોયો એ જીવતો મુઓ.

Author: Morvee Raval #TeamAapduJunagadh